ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની – શાળા પ્રવેશોત્સવની – ૨૦૨૪ – દેવગઢ બારીયા
દેવગઢ બારીયાના ઝાબીયા પ્રાથમિક શાળા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

શિક્ષણ એ બાળકો અને સમાજના આવનાર ભવિષ્યને ઉજાગર કરનાર એક પ્રકારની એવી ઉત્તમ ખેતી છે જેમાં આપણે શિક્ષા રૂપી વાવણી કરવાની છે.- મંત્રીશ્રી બચુભાઈ ખાબડ
શાળામાં પ્રથમ પગલી પાડનાર બાળકોને સ્કૂલ બેગ, પુસ્તકો, યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.

દાહોદ : દાહોદ જિલ્લામાં તારીખ ૨૬, ૨૭ અને ૨૮ જૂન-૨૦૨૪ (ગુરૂવાર થી શનિવાર) દરમિયાન બાલવાટિકાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં “શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪” નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઝાબીયા પ્રાથમિક શાળા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડનું શરણાઈ અને ઢોલ – નગારાના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાર્થનાગીત સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના સપનાને સાકાર કરવા તેમજ આવનાર પેઢીના ભવિષ્યને સુધારવા માટે શિક્ષણને સુધારવાની જરૂર છે. તમામ દીકરીઓ પણ ભણવામાં આગળ વધી સમાજને પણ આગળ લાવે તેવા પ્રયત્નો આપણે સૌએ ભેગા મળી કરવાના છે. વાલીઓએ ફક્ત પોતાના બાળકોને શાળા સુધી પહોંચતા કરવાના છે પછીની તમામ પ્રકારની વ્યવસ્થા સરકારે કરી છે. શિક્ષણ એ બાળકો અને સમાજના આવનાર ભવિષ્યને ઉજાગર કરનાર એક પ્રકારની ઉત્તમ ખેતી જ છે. જેમાં આપણે શિક્ષા રૂપી વાવણી કરવાની છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે સરકાર તમામ વ્યવસ્થા કરી રહી છે એમ મંત્રીશ્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચન દરમ્યાન જણાવ્યું હતું.
શાળામાં પ્રથમ પગલી પાડનાર બાળકોને સ્કૂલ બેગ, પુસ્તકો, યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરીને મંત્રીશ્રીએ નાનકડાં ભૂલકાંઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. ઉપરાંત ઝાબીયા પ્રાથમિક શાળાના નવીન ૪ ખંડોના બાંધકામ અર્થે મંત્રીશ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ બાદ મંત્રીશ્રીએ એસ.એમ.સી.અધ્યક્ષ સાથે સંવાદ કરીને સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની નાનામાં નાની વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.
શાળામાં પ્રથમ ક્રમાંક લાવનાર ધોરણ ૩ થી ૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમ દરમ્યાન શાળાની વિદ્યાર્થીની દ્વારા પ્રાકૃતિક ખેતી વિષે મહત્વ સમજાવી કાર્યક્રમમાં આવેલ તમામ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે સમજણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, તાલુકા સદસ્યશ્રી, સામાજિક કાર્યકરશ્રી, સરપંચશ્રી, સી. આર. સી., બી. આર. સી, તલાટી, એસ. એમ. સી. અધ્યક્ષશ્રી, ઝાબીયા પ્રાથમિક શાળામાં પ્રથમ પગલાં પાડનાર નાનકડાં ભૂલકાંઓ, શાળા સ્ટાફગણ, વાલીઓ, આંગણવાડી બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આમ, દાહોદ જિલ્લાની અનેક શાળામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં દાહોદના બાળકો પા પા પગલી માંડશે.
૦૦૦


