કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી– ૨૦૨૪ – દેવગઢ બારિયા
દેવગઢ બારિયા
ઉજવણી… ઉલ્લાસમય શિક્ષણની”- કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી– ૨૦૨૪
દરેક વાલીઓ પોતાના બાળકોના અભ્યાસમાં રસ દાખવીને તેઓને પ્રોત્સાહન આપે તે ખુબ જ જરૂરી છે.- સામાન્ય વહીવટ વિભાગ, ઉપસચિવ સુશ્રી અંકિતા મોદી
શાળામાં આજે પ્રવેશ લઈ રહેલા બાળકો આવતીકાલના ભારતનું ભવિષ્ય છે – ઉપસચિવ સુશ્રી અંકિતા મોદી
દાહોદ : આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થયો છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજૂરી પ્રાથમિક શાળા ખાતે સામાન્ય વહીવટ વિભાગ (ગાંધીનગર) ઉપ સચિવ સુશ્રી અંકિતા મોદીએ નાનકડાં ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત સુશ્રી અંકિતા મોદી સહિત અન્ય મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની મોટી ખજુરી પ્રાથમિક શાળા ખાતે શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવતા સુશ્રી અંકિતા મોદીએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ થકી આવનાર જિંદગીને સુધારી શકાય છે. નાના ભૂલકાંઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે જેની શરુઆત ઘર અને આંગણવાડીથી કરાય છે. દરેક વાલીઓ પોતાના બાળકોના અભ્યાસમાં રસ દાખવીને તેઓને પ્રોત્સાહન આપે તે ખુબ જ જરૂરી છે. દરેક બાળકમાં ક્ષમતા રહેલી હોય છે તેને યોગ્ય વાતવરણ મળી રહે તો તેનો સર્વાંગી વિકાસ શક્ય બને છે.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સમગ્રતયા સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આદિવાસી ટીમલી નૃત્ય, બેન્ડ તેમજ ફૂલો વડે શાળાના બાળકોએ સામાન્ય વહીવટ વિભાગના ઉપ સચિવ સુશ્રી અંકિતા મોદીનું સ્વાગત કર્યું હતું. ઉપ સચિવસુશી અંકિતા મોદીના વરદ હસ્તે પ્રથમ પગલી પાડનાર બાળકોને સ્કૂલ બેગ, પુસ્તકો, યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કર્યા બાદ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ બાદ ઉપ સચિવસુશ્રી અંકિતા મોદીએ એસ.એમ.સી. સભ્યો જોડે બેઠક કરીને સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને શિક્ષણ સહિતની નાનામાં નાની વિગતો મેળવીને જરૂરી સૂચનો કરી શાળાના વર્ગો ઉપરાંત વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી.
આ સમગ્ર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન લાયઝન અધિકારી, સરપંચશ્રી, એસ.એમ.સી.સભ્યો, વાલીઓ, શાળા સ્ટાફ, આંગણવાડી બહેનો, નાનકડાં ભૂલકાઓ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : રમેશ દહમા દાહોદ

